લાશ
સંજય ચૌહાણ,
અવાજ કાને પડ્યો.
માંડ
ઘેરાતી આંખ ખૂલી ગઈ. ને કપાળ તંગ થયું. ફરી કોઈએ ત્રાડ નાખી. ગોદરાને લાત મારી લવજી ઊભો થયો. કાળું ધબ્બ
અંધારું એને બાથે પડ્યું. શું થયું?
હાહારું કાંય ખોટું તો નથી થયું ને? માચીસ
ખોળવા ખાંખા ખોળા કરતાં પાણીયારા પરથી ગ્લાસ પડ્યું. ખખડાટથી એની બાયડી ભીખી જાગી.
કૂંણ સે?
-એ તો મુ.. લવજીનો આવાજ ઓળખી સૂઈ ગઈ. લવજી માચીસમાંથી
દીવાસળી કાઢી સળગાવી. બહાર આવવા નીકળ્યો એટલામાં દીવાસળી હોલવાઈ ગઈ. સાચવીને સાંકળ
ખોલતાં એના હાથ અટકી ગયા. દિયોર કોઈ પાંસરો તો નહી કરે ને? આટલા
વિચાર પછી ફરી પાછી બૂમ સંભળાઈ. આખા શરીરમાંથી ભયનું લખ-લખું પસાર થઈ ગયું. રૂવાટે
રૂવાટું ફફડી ઊઠ્યું. મહિના પહેલા જ ગામના લોકોએ કેવા માર્યા હતા, એ પછી રાતે કૂતરું ભસતું તો પણ વાલમિકી વાસમાં
બધાં ફફડી મારતાં. લવજીનું માથું ચક્રાવે ચડ્યું. એમની બૂમ પડે ને હાજર ના થઈએ તોય
મોત... હિમ્મત રાખ્યા વગર છૂટકો નહતો. એણે
ધીમેથી બારણું ખોલ્યું, "કૂંણ સે
ભઈ?"
અજવાળામાં ઉભેલો બે ઓળો. એક બોલ્યો,"એ તો હું સરપંચ"
લવજી તરત
બહાર આવી બે હાથ જોડી ઊભો રહ્યો,"ઓહો
સરપંચ સાહેબ આત્યારે?"
ને સરપંચે માંડીને વાત કરી, કે કેટલાક દિવસથી ગામમાં એક ગાંડો ફરતો હતો. આજે
સવારથી ગામના ઓટલે પડયો હતો સૌ ને એમ કે એ સૂઈ ગયો હશે. આખરે રાતે પણ એ ના ઊઠ્યો. ચોરે
બેસેલા લોકો ઘેર નીકળ્યા, ત્યારે
તપાસ કરી; એના શરીરમાંથી વાસ આવી, એટ્લે બધાને ખબર પડી. કે એ મરી ગયો હતો. એને
રાતો રાત સ્મશાન ભેગો કરી દેવાનો હતો.-
લવજી મનોમન ખૂશ થયો. એના માટે તો આ રમત વાત
હતી. ને ઉપરથી ગામ આખું સવારે દાણા આપશે એ તો જાણે ઉજાણી. ને સરપંચ ખુશ કરશે તે
જૂદા. ગામ હમણાંથી નાખૂશ સે. તે ખૂશ થશે. લવજીના
શરીરમાં ગલ-ગલીયાં થયાં. જોકે અડધી રાતે સ્મશાનમાં એકલા જવાનું એનું ગજું નહતું.
મનોર આવે તો એને હિમ્મત રહે. એવી વાત સરપંચને કરી ત્યારે સરપંચે મનોરના ઘરે ય રાડ
નાખી ને જગાડયો. લવજી અને મનોર બે ભેગા થાય. ત્યારે જખ મારે છે જાંપા વાળી. બેય જણ
લારી ઠેલતા ચાલ્યા. એમની આગળ હતા સરપંચ અને ભીખો. રસ્તામાં સરપંચે વાત કરી કે
સ્મશાન પાસેના ગામ મંદિરમાંથી લાકડાં માગી લઈ આને સળગાવી દેવાનો. ચારે જણ ગામ
વચ્ચે પહોંચ્યા ત્યારે ગામના કેટલાક લોકો રાહ જોતા હતા. ગામના ઓટલા પર પેલાની લાશ
પડી હતી. ને એના પર કોઈએ આપેલું સફેદ ધોતિયું ઓઢાડેલું હતું. લારી છેક એના પાસે લઈ
લીધી. સરખી ઊભી રાખી ને બેય જણે પેલા ગાંડાને ઉપાડયો ને એની લાશને લારીમાં
સૂવડાવી. કેટલાય દિવસથી નાહ્યા કે ધોયા વગરની વળી સવારથી પડી રહેલી લાશમાંથી વાસ
આવતી હતી. દિયોર ધોતિયું એ નવું ના મળ્યું? લવારો
કરતા લવજી અને મનોરે લારી ઠેલી. થોડા આગળ જઈને પાછળ જોયું તો ગામના ચોરે કોઈ ઊભું
નહતું. એટલામાં ગામના સીમાડા બાજુથી કૂતરાં આવી ને ભસવા લાગ્યાં. અંધારામાં
કૂતરાંની આંખો ચમકી. મનોરના શરીરમાંથી ફફડાટનું લખ-લખું પસાર થઈ ગયું. ડોળા
ડખળ-વખળ થયા. ને ખૂલ્લા સીમાડામાંથી વાયરો વાયો. પેલી ગંધ નાકમાં ઘૂસી ગઈ. ઊલટી
વળવા જેવુ થયું. લવજી તો લારી ઠેલે જતો હતો. લવજીય ચારે તરફ જોઈ ફફડી રહ્યો હતો.
મહાવદનું અંધારું જાણે દાંત ખખડાવી રહ્યું હતું. ગામ ધીમે અને દબાતે પગલે પાછું
ખસવા લાગ્યું. વળી સામે વીંછીના ડંખ જેમ પડ્યો હતો બે ચાર ખેતર જેટલો ખરાબો. ને ખરાબામાં
ઉગેલાં ઝાડી જાંખરાં જાણે જટીયાં છૂટાં મૂકીને ઘૂણી રહ્યાં હતાં. દિવસે જતાં જ્યાં
બીક લાગે ત્યાં રાતે જવાનું? હાહારું
કયા જન્મનાં પાપ ભેગા થયાં હશે? કે
સવારની પણ રાહ નહી જોવાની? એય
પાછું ગંધાતી લાશ લઈને. વળી પેલો ફફડાટ તો ખરો જ. ગામામાં રહેવાનુ એટ્લે ગામનો
પડ્યો બોલ માથા પર. તોય કયારે વાંકૂ પડે કહેવાય નહી. મહિના પહેલા બનેલી પેલી
ઘટનાથી તો સૌ પરેવાની જેમ ફફડે. અંધારું થયું નથી કે શેરી- ફળિયું- વાસ ને ચોકનું
મંદીર બધૂય ભેંકાર ભાસતું.-
ગામના વસવાટ સાથે જ સફાઈ માટે કેટલાક વાલ્મીકિ
કુટુંબોને આગેવાનો એ છેવાડે જગ્યા આપી હતી. ને વર્ષોથી એ લોકોએ આ ગામને પોતાનું
ગામ જ માની લીધું હતું. પણ આ ભ્રમ તો ત્યારે ભાંગ્યો જ્યારે વાસના કૂસા ડોસાનું
અવસાન થયું. એ વખતે ગામના પણ એક ડોસાનું અવસાન થયું. ને બેય પક્ષના લોકો સ્મશાનમાં
ભેગા થઈ ગયા. સૌ એક જ જગ્યાએ કેવી રીતે બેસી શકે? સૌની
આંખોમાં જાણે મરેલી લાશો! કેટલાકે વાંધો ઉઠાવ્યો કે આ લોકોના સ્મશાન અહી નથી. ચીતામાંથી
તણખા ઊડે એમ સૌના ચહેરા પર ગૂસ્સો ઉડ્યો. કેટલાક યુવાનોએ વિચાર્યા વગર દે ધનાધાન
ચાલુ કરી દીધી. વાલ્મીકિઓએ માર ખાધી. છેવટે વાલ્મીકિ ઓએ ડોસાને થોડે છેટે બાળવો
પડેલો. એ વાત ને લીધે રાત્રે ગામ આખામાં હોબાળો મચી પડ્યો. આગેવાનો એ વાલ્મીકિ ઓને
મોઢામાં ખાસડું રાખી ઊભા કરી દીધેલા. પછી જ્યારે પણ કોઈ મરી જાય તો છેક એમના ગામ
જઈને બાળવાની શરતે ગામમાં રહેવા દીધા. હમણાં-હમણાં એક બે વાર વાલ્મીકિ ઓના વાસ પર
ઇટાળિયું થયેલું. ત્યારે મનોર કેવો લપાઈ ગયેલો. આજે ય એ લપતો હોય એમ જ ચાલી રહયો
હતો. ચાલતા ચાલતા એને બીક પેસી કે કોઈ પાણતિયો જોઈ જાય ને ઇટાળિયું કરે તો ? મનોરે આજુ-બાજુ જોયું. એડધી રાતનું
અંધારું પણ સફેદ કપડામાં વીંટેલી લાશને જોઈ લપાતું હતું. કૂતરા આવી-આવી ને ભસતાં-
ભસતાં દૂર ચાલી જતાં હતાં. સારું હતું કે હમણાં લાઇટો ના થાંભલા નાખ્યા હતા. એનું
પીળું અજવાળું જમીન પર જાણે સળવળતું હોય તેવું લાગતું હતું. બેય એકધારા લારીને ધકેલે
જતા હતા. વળી ખાડો આવતો ને લાશ સહેજ ડગું-માગું થતી. ત્યારે મનોર અને લવજી એક બીજા
સામે જોઈ લેતા. મનોરને લાગતું કે લવજી જીવતું ભૂત છે. ને લવજીને લાગતું કે મનોર
ભૂત છે. બે ય આમતો જબરા મજબૂત!! નહીતર
અડધી રાતે પણ સ્મશાનમાં જવા કોઈના પગ ઉપડે કે? બીજું
કોઈ હોય તો ના જ પાડી દે. જોકે આવા કામ માટે તો એ બે જ લાયક હતા એ વાત તો સૌ કોઈ
જાણતું હતું.
એકવાર ગામના એક શેઠ સુરતમાં ગૂજરી ગયા. ગામ
તરફ એમનો લમણો હતો. મારતાં પહેલા એમણે વચન માગેલું કે મને મારા ગામની જમીનમાં
દાટવો. એમને લઈ ગામમાં આવતાં અડધી રાત થાય એમ હતું. આખો દિવસથી લોકો ભૂખ્યા ને
તરસ્યા હતા. ગામના કેટલાક સમજૂ લોકો એ રાત્રે જ કાઢવાનું
વિચારેલું. સ્મશાનમાં ખાડો ખોદી રાખ્યો હોય તો ઉતાવળ કરી શકાય તેવું વિચારતાં
લવજીનું નામ એક બે ના મોઢે આવેલું. ત્યારે લવજીએ બાપુકી બુદ્ધી વાપરીને એ લોકો જોડેથી
પહેલા બસો રૂપિયા ગલચાવી દીધેલા. એમાથી અડધા મનોરને આપવાની લાલચ આપીને મનાવવા
ગયેલો.-અડધી રાતે સ્મશાનમાં હાહરા ભૂત ભૂતાવળ ભડાકા કરશે તો? મનોરના આવા પ્રશ્ન સામે લવજી બોખૂ હસેલો,-હાહારાં મનેખ જ મનેખ ને હેરાન કરે
બાકી તો કોઈને કશી આ જગતમાં પડી નથી. મનોર આંખો ફાડીને વિચારે ચડેલો. દિયોર ભેદ-ભાવ ભર્યું તો એ ઘણું જીવ્યો હતો પણ
પેલી સોની નોટ તો શી ખબર ફરી ક્યારે જોવા મળે? લવજી
કશું નવું કહે એ પહેલા તો એ હેડ.. તાણે.. કહેતો સાથે થયેલો. પાવડો અને ત્રીકમ ખભે
કરી બેય જણ અભાજીના છાપરેથી બે કોથળી ટટકાવી ગયેલા. વચ્ચે આવતા માં’દેવાના મંદિરે પાવડો ત્રીકમ એક બાજુ નાખી બમ-બમ
ભોલે કહી આડા હોળ થઈ દંડવત નમી પડેલા હે મસાણ ના ધણી તું હાચવજે.. અમે તો તારા
ગોલિયાં બાપા..ને ત્યાર પછીના અંધારીયા રસ્તે મનોરને થોડો ખચકાતો જોઈ લવજીએ એને હાંમ ધરેલી.
-લોખંડનો ત્રીકમ છે એટલે ભૂત નો ભો નહી...
-પણ દિયોર ખાલી ડાકલીઓ ખખડાવે તોય મૂતા
વછૂટે..
-આપણાથી તો ભૂતે અભડાય.. આપણા તો હામે ના આવે..
-માણસ હામે આવે ને ભૂત હામે ના આવે?
-માણસ તો દિયોર ભૂતથી ય ભૂંડાં..
સ્મશાનમાં
પહોંચ્યા પછી ઠંડા વાયરે બેય ને નસો
ચડેલો. મનોર તો લાવારે ચડેલો આવો લ્યા ભૂતડાં.. દિયોર અમારાથી અભડાવ છાં?
સાત ફૂટ લાંબોને પાંચ ફૂટ પહોડો ખાડો
ખોદીને બેય જણે બીડી સળગાવી ત્યારે ગામમાંથી ડાઘુઓ નનામી લઈ આવી પહોચેલા. બેય જણને
નીરાંતે બીડી પીતા જોઈ ગામમાં લૂખ્ખી મરદાનગી હાંકનારાઓને મોઢું સંતાડવાનું ય
ક્યાં બાકી રહ્યું હતું? ને એ
પછી તો સ્મશાનમાં કોઈ મરનાર ને બાળવાનો હોય તો મા’દેવના મંદિરથી
લાકડાં લારીમાં ભરી-ભરી નાખવાનાં હોય સૌ લવજી અને મનોરને આગળ કરતા.
આજે અડધી રાતે એ બે જણ અજાણ્યા માણસની લાશ
લઈ સ્મશાન તરફ જઇ રહ્યા હતા. જોકે એમને પેલા મરેલા માણસની બીક નહતી એટલી જીવતાં
માણસની બીક હતી. નથીને ગામનું કોઈ આવે ને રાડ નાખે ને એને આ વાત ની ખબર નહોય તો
શું જવાબ આપવો? ને કોઈ આમ માને ય ખરું કે? – દિયોર જાણે આપણે તો હાવ જૂઠઠા..
-મનોર શું લવારો કરે સે? લવજી એ કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. મનોરે
કોઈ જવાબ આપ્યા વગર લારીને હંકારે રાખી. પછી અચાનક યાદ આવ્યું હોય તેમ બાબડાટ
કર્યો,-હાહારું આ મળુ સે એટલે આજે
સ્મશાનમાં બીક લાગે સે.
-પાણીમાં પેઠા ને પાદવામાં શરમ?
લવજી ઊભો રહ્યો. તરત મનોર પણ ઊભા રહ્યો.
કયારનો લારી ઠેલતાં એ વળી ગયો હતો. કમરને સીધી કરી ખેંચવા જેવું કર્યું. ને એની
નજર દૂર સુધી ફરી વળી. મંદિરની ધજા પણ જાણે અંધારામાં લપાઈ જવા મથી રહી હોય તેવું
લાગી રહ્યું નહતું. આ બાજુ એક રસ્તો
કરસનજીના ખેતર તરફ જતો હતો. લવજી પણ બધે જોવા લાગ્યો. પછી લાશ તરફ જોઈ રહ્યો. ને
લાશમાંથી આવતી ગંધથી એના ચહેરાની રેખાઓ તંગ થઈ. મોઢા પર હાથ રાખી દેવાનું મન થયું.
જલદી આને બાળી દઈએ એટલે વાત પતે. કહીને લવજીએ ખીસ્સામાંથી બીડી કાઢી. એક મનોર સામે
નાખી ને બીજી પોતાના બે હોઠમાં દબાવી. બાકસ કાઢી સળગાવી. બાકસ મનોરે તરફ નાખી
મનોરે બીડી સળગાવી. એટલામાં લવજી કસ ખેંચતા કશાક વિચારોમાં ખોવાઈ ગયો. પછી ચારે
તરફ જોયું, “હાળું અંધારું બઉ સે નહી?”
-છોને રયું આપણને ચ્યાં કરડવાનું સે?”
પછી જાણે એના ચહેરા પર એ જે કહેવા માગતો
હતો એજ આવી ને સળ-વળ થયું હોય એમ એ જરા હસ્યો, “તોય
એક બે વાસણ ટટકાવ્યાં હોય તો?”
મનોર
બીડીના કસ ખેંચતો લારીથી થોડો છેટો જઇ થૂંકયો,“શું
કરવું સે કે”
મનોરની
સંમતી સાંભળી એ રાજી થયો, “
કરશનજીનું ઘર ક્યાં છેટું સે? તું
એકલો ઊભો રે?”
મનોરે થોડે દૂર જોયું. થાંભલાના અજવાળામાં
ઉભેલા મંદિર સામે જોઈ હિમ્મત રાખી -“હોવે ઓય શું ભો જેવુ સે? બીડી હાથમાં લઈ જોઈ રહ્યો. પછી ફેંકી
દીધી.
-“સારું મુ જતો આવું લે બીડીનો ટેકો રહે.” તરત જ લવેજી એ
ખીસ્સામાં હાથ નાખીને એક બીડી કાઢતાંની સાથે જ મનોર ને જીલાવી. એક-બે ફૂંકો મારતો લવજી કરસનજીના નીચાણ વાળા વાસ તરફ રવાના થયો. મનોર એને એ તરફ જતો જોઈ રહ્યો. એ બાજુ કૂતરાં ભાસવાનો અવાજ એને
ઘણી વાર સુધી સંભળાયો. નવરા પડેલા મનોરને હવે લાશની ગંધ વીંટળાઇ વળી.
અંદરનો ડર વળ ખાઈને બેઠો થયો. દૂર મંદીરની ધજા ઘસ-ઘસાટ ઊંઘમાં હોય
તેમ સાવ ડોક નાખીને પડી હતી. વચ્ચેના ભાગે અંધારું વધારે હોય તેવું લાગી રહ્યું
હતું. અંધારું જાણે ડરાવતું હોય તેમ આ બાજુ ધસી આવતું દેખાયું. ને એણે ગામ બાજુ નજર ફેરવી. ગામ તો બાવાળોની જાળીમાં લપાતું છૂપાતું લાગ્યું. ગામને છેવાડે એકલ-દોકલ ઉભેલા થાંભલા હમણાં બેસી જસે એવા
થાકેલા ઊભા હતા. ને એના આછા અજવાળાને વીંટળાઇ વળેલાં જીવડાં હટાવાનું નામ જ લેતાં ન હતાં. ઉકરડા તરફ હજૂ
કૂતરાં ભસતાં હતાં. મનોરની નજર બધે ભટકાઈને પાછી લારી પર આવી બેઠી. નિરાંતે પોઢેલા
પેલા તરફ જોઈને એને ઈર્ષા થઈ. પણ પછી કાળા ભમ્મર પગ જોઈ ને એને વાતાવરણ થોડું ભારે
લાગ્યું. પાછલી જાળીમાં ખખડાટ થયો ને એના શરીર માંથી ભય નું લખ-લખું પસાર થઈ ગયું.
દારૂ પીવા કેવો એકલો બેસવા તૈયાર થઈ ગયો. હવે હિમ્મત રાખે જ છૂટકો. માચીસનો ઘસરકો
કરી બીડી સળગાવી. ઊંડો કસ ખેંચ્યો. એને થયું, પીધા વગર આવું કામ અડધી રાતે થતું હશે કે? હમણાં એ
આવ્યો નથી કે કોથળી ગટ-ગટાવી નથી ને સવારે તો ગામ આખાના દાણાથી કોથળો....
એના શરીરમાં ગરમાવો આવી ગયો. કોઈ આવતું હોવાનો અવાજ કાને પડ્યો.
બીડીનો જોરદાર કસ ખેંચ્યો. લાલ લાલ આજવાળું પથરાયું. એક પળ તો થયું કે કોઈ બીજું તો
નહી હોય? એટલામાં
અંધારાના પડ ચીરીને આવતો લવજી દેખાયો. મન લબકારા લેવા લાગ્યું. દારૂ
મળ્યો એટકે આખું જગત મળ્યું. પાસે આવી લવજીએ
કપાળ પરનો
પરસેવો લૂછ્યો . – હહરા કૂતરાં..
મનોર
ઊભો થયો. “ લાવ્યો? ”
“હોવે”
એક ગ્લાસ તો ત્યાને ત્યાં જ.. લાવેજી થોડે છેટે જઈ બેઠો. મનોર પણ તેની પાછળ ઘસડાયો. પોટલું છોડીને બેય આંખો
ફાડીને જોઈ રહ્યા. મનોરને પોટલીઓ ફૂલેલી લાશ જેવી લાગી. નજર ફેરવીને લાશ સામે જોયું. “પેલાને ધરવો સે?”
લવજીએ
પણ એ તરફ નજર કરી. કશૂક વિચારતો હોય એમ માથું હકારમાં હલલવ્યું. “ હોવે જા એના
મોઢામાં થોડો ટટકાવી આવ” ને જાણે મોનોર કોથળી તોડતો જડપથી લાશ પાસે પહોચ્યો. લાશ
પર વીંટેલું સફેદ કપડું હટાવ્યું. દુર્ગંધ વછૂટી. તોય અડધી કોથળી એના મોઢા પર રેડી
દીધી. ને અડધી કોથળી ચાલતાં-ચાલતાં ઘટઘટકાવી. એટલામાં લવજી પણ એક કોથળી મોંહ્યલાને
ધરી બેઠો હતો. બેય જાણ બેઠા બીજી બે કોથળી
પડી હતી. બેસી ને એક આખી આખી બીડી ચૂસી. લવજી એ કોથળી લઈ તોડી. ને અડધી પીધી.
મનોરને તાકી રહેલો જોઇ કોથળી આપી. મનોર ડહ ..ડહ.. ડોંહી ગયો. બેયના ચહેરા પર મોજ
આવીને ઊભી રહી. તરત બીજી કોથળી પણ બેય જણે અડધી-અડધી ટટકાવી. જખ મારે સે જાંપા
વાળી જેવુ બોલીને લવજી ઊભા થયો. આવો લ્યા ભૂત-બૂત સે કોઈ જેવી રાડ નાખી મનોર ઊભો
થવા ગયો ને એક વાર નીચે પડી ગયો.
લવજી
એ એનો હાથ પકડી ઊભો કર્યો. બેય જણે આછા અંધારમાં એક બીજા સામે જોઈ આંખો નચાવી. લારી
પાસે આવી લવજી એ લારીને ખેંચી મનોર પણ લારીનો ટેકો લેતો ધક્કો પૂરવા લાગ્યો. ઊંચા
કિલ્લા જેવી દીવાલ પર લગાવેલો બલ્બ જાણે કોઇની રાહ જોઈ રહ્યો હોય તેવો લાગી રહ્યો
હતો. ધીમે-ધીમે લારી મંદીરના દરવાજા પાસે લાવી હાહ ખાધો. આમ પણ લાશને જેમ જેમ સમય જાય તેમ વજન પકડે તે
લવજી સારી પેઠે જાણતો હતો. મનોરે આંખો ઉઘાડ વાખ કરી. હાહારું અત્યારે અડધી રાત સે
ને... નથી ને કોઈ પળ ચોઘડીયું બાજી ગયું તો? ચારે તરફ
નજર નાખી. બલ્બના અજવાળાએ એને હિમ્મત આપી. સ્મશાન હવે થોડું જ દૂર હતું. પણ હવે
મંદીરમાંથી લાકડા પણ લારીમાં લેવાના હતાં. પછી તો કેટલું વજન થશે? લવજીએ
મનોરને બૂમ પાડી, “ લાકડાં સાથે લારે ખેંચા સે ને?”
“
હઔઉ ” લવજી મંદીરના દરવાજા પાસે ગયો. એટલામાં દૂરથી આવી ને એક બે કૂતરા ગોગળો
તાણી-તણીને કરાંજવા લાગ્યાં. બંનેના શરીરમાં ભયનું મોજૂ ફરી વળ્યું. સ્મશાન પાસેના
આ મંદીરનો મા’રાજ થોડો
ગૂસ્સા વાળો હતો ને પાસો રાતનો સમય. અને એમાય આતો લવજી અને માનોર. પછી તો કહેવું જ
શું? તોય એમ
થોડું ડરી જવાય? એ દરવાજા
પાસે ગયો. જોરથી બૂમ પાડી. “મા’રાજ.... ઓ મા’રાજ...”ને બીજી બૂમે તો દરવાજાની તીરડોમાં અજવાળું સળ-વળતું
દેખાયું. ને પગ રવ દરવાજા પાસે આવી ઊભો, “કોણ?”
“એ
તો મુ લવજી સફાઈ કરવા વાળો...”ને જાણે પરિચય માટે આટલી વાત જ કાફી હોય તેમ અંદરની
સાંકળ ખખડી. મોટા દરવાજામાં રહેલો નાનો દરવાજો ખૂલ્યો. બેટરીનું અજવાળું બેયના
ચહેરા પર ફરી વળ્યું. ને તરત જ શબ્દો કાને પડ્યા. “કેમ અડધી રાતે?”
માં’રાજની રાતી
ચોળ આંખો જાણે વિચિત્ર હોય તેવી લાગી. બેય જાણે શું બોલવું? કઈ સૂજયું
નહી. લોકોના મોઢે સાંભળેલી વાતો બેયના મનમાં રમવા લાગી- મા’રાજતો ઊભા
બાળી દે કે ચકલી બનાવે દે...બેયના બેબાકલા ચહેરા જોઈ ને માં’રાજે ત્રાડ
નાખી “કેમ અડધી રાત માથે લીધી લ્યા.” લવજીને જાણે દાંત સાંકળ બંધાઈ હોય તેમ માત્ર
લારી તરફ ઈસારો જ કરી શક્યો. માં’રાજે કમાડમાંથી ડોક સહેજ બહાર કાઢી. બેટરીનું અજવાળું લારી
તરફ છૂટું નાખ્યું. સફેદ કપડું વીંટાળેલ લાશ તરફ જોયું. ને એમની આંખો સહેજ પહોળી
થઈ ગઈ. મહારાજના વર્તન પરથી તો જાણે બેય કોઈ અણધારા ઓઘામાં અટવાઈ પડ્યા હોય તેવા
થઈ ગયા. બેટરીનો શેરડો લવજીની આંખોમાં પડ્યો. – “કોણ ઊકલી ગયું?”
લવજીની
જીભ થોથવાઈ. ને માં’રાજની આંખો વધારે લાલ થઈ, “ કોણ સે?” માં’રાજાના ડોળા
ચકળ-વકળ થયા. લવજીને પરસેવો વળ્યો, “મા’રાજ ગાંડો ગામ વચ્ચે..” લવજી આગળ કશું બોલી ના શક્યો. માં’રાજે નાક
દબાવ્યું. ને ફરી ડોળા ડખળ-વખળ કાર્યા. લવજી નીચી નજરે બોલ્યો, “ થોડાં
લાકડાં આપો તો આને ઠેકાણે પાડીએ.”
“
ઠેકાણે?” મા’રાજે પડેલી
રાડથી વગડામાં બોલાતાં તમરાં પણ ચૂપ થઈ ગયાં. કૂતરાં દૂર ઊભા રહ્યાં. મનોરને
મૂત્તા વછૂટવાનું જ બાકી રહ્યું. એક તો આવાં કામ કરવાનાંને હાકોટા સાંભળવાના? વધુ ગૂસ્સે
થસે તો હમણાં ધોકો લઈ રમકાવસે એ જૂદું. હેડ લ્યા લવજી કહેવા બોલ્યો તો ખરો પણ અવાજ
બહાર ન આવ્યો. માં’રાજે બેટરી બંધ કરી. દરવાજાનું બારણું અડધું બંધ કર્યું, “પે’લા આની જાત
બતાવો.. તો જ આ સ્મશાનમાં બાળવા દઉં.”
લવજીએ
ડોક નીચી કરી. માં’રાજ ગાંડો ક્યાંથી આવ્યો એજ ખબર નથી નહીતર એનાં સગાંને ના
બોલાવીએ? ને અમે તો
ક્યાં અંતર્યામી છીએ તે એની જાત ખબર પડે?” લવજી એ પગના અંગૂઠા વડે જમીન ખોતરવા જેવુ કર્યું, “માં’રાજ તમે તો
અંતર્યામી છો તમે જ બતાવો ને કે આની જાત કઈ સે?”
માં’રાજે અડધું
વાખેલું કમાડ ફટ કરતાં પાછું ખોલી દીધું, “સાલાઓ મારી મશ્કરી કરવા આવ્યા છો?” માં’રાજને હાંફળો-ફાંફળો
થતો જોયા. મનોરને લાગ્યું કે કશુક ખોટું વટાયું. એણે ગામ બાજુ પટ્ટી મારી. એક
પળમાં તો જાણે એને અંધારું ગળી ગયું. લવજી પણ પળ પારખી ગયો. બેય હાથની મૂઠીઓ
વાળીને એય મનોરની પાછળ જાય નાઠો. માં’રાજ હવે દૂર પડેલી લારી સામે જોઈ ત્રાડ નાખી, “હાહારાઓ આ
લારી લઈ જા જો નહીતર...” ને દરવાજો ધડામ કરતો ભીડાયાનો અવાજ લવજીને સંભળાયો. લવજી
ઊભો રહ્યો. દૂર અંધારામાં મનોરને હાંફતો જોઈ ને એ તરફ ગયો. આછા અંધારામાં
આંખો ખેંચીને જોયું તો મનોર આખે-આખો ધ્રૂજતો હતો. હાથ પકડી એને બરોબાર હલાવી
નાખ્યો, “દિયોર
લારી તો ત્યાંથી લઈ જવી પડસે. વાડમાંથી લાકડાં ખેંચી હેંડ બાળી દઈએ” મનોર કશું
બોલી શક્યો નહી. લવજી એ પળની પણ રાહ જોયા વગર નો હાથ પકડી ખેંચ્યો. મંદીરના દરવાજા
તરફ ચાલતાં બેય જણ જોઈ રહ્યા કે દરવાજો ખૂલતો તો નથી ને? જો માં’રાજ ધોકો લઈ
આવી જાય તો? અહી
વગડામાં તો એમને કોણ છોડાવે? આમતો એકલો લવજી જ માં’રાજને પાંસરા કરવા માટે
કાફી હતો, પણ પછી કાલે
ગામમાં એમની જે દશા થાય. એની તો વાત જ મૂકો. પેલાં કૂતરાં પાછા આવીને ગોગરા તાણવા
લાગ્યાં. લવજીને થયું કે કૂતરાને તો રમકાવું. ને ઢેખાળો લેવા નીચે નજર ફેરવી. કે
નજર મનોરના પેન્ટ પર પડી. એનાથી ફી..ફી કરતાં સહેજ હસી પાડાયું. મનોર પોતાના પેન્ટ
તરફ જોઈ ગૂસ્સે ભરાયો. આ દિયોર શું હસે સે બાવો જો ચકલી બનાવી દે તો ક્યાં જવું? વિચારતો ધ્રૂજતા
શરીરને કાબુ રાખતો લવજી પાસે આવ્યો. એટલામાં લવજીના હાથમાં ઢેખાળો આવતાં એણે
કૂતરાં તરફ રમ-રમાવ્યો. પણ ઘા અવળો પડ્યો, કૂતરાં ત્યાંથી હટ્યાં
નહી. મનોર તરફ ઈસારો કરી એ લારી તરફ સરક્યો. બેય ધીમે ધીમે આજૂ-બાજૂ નજર નાખતા
લારી પાસે આવ્યા. એમના પગના અવાજ પણ હવે તો એમને ડરાવતા હતા. લાશ પણ જાણે ડરી ગઈ
હોય તેમ થીજી ગઈ હતી. નજીક આવતાં જ પેલી ભયંકર દુર્ગંધે બેયના નાકનો ભરડો લીધો. મનોરે
લારીને ધક્કો દીધો. ને લવજી લારીને વળગતાં જ દોડાવી. મનોર લારી મૂકીને પાછો જાય નાઠો.
હત તારી તે.. જેવું બાબડી લવજી મોટી ગાળ કાઢી.
“શું
થયું લ્યા...? મનોર પાછો
આવી ડોળા ડખળ-વખળ કરી ને રીસ ચડાવી. દિયોર તે લારી દોડાવી એટલે મુ સમજ્યો કે બાવો
આયો... મનોરને પરસેવો વળી ગયો. એ નીચે બેસી ગયો. દારૂની ઉતારી ગયો હતો. ગંધ થૂંક
તો હોય એમ હક થૂ... કરી થૂંકયો.
લવજીએ એને સમજાવ્યો. “થોડું જ સે ચાલ પહોંચી જઈએ.”
મનોર ઊભો ન થયો. લવજી એના ચાળા જોઈ રહ્યો. એ
લાશ સામે જોઈ જાણે બેસૂદ બની બેઠો. મનોર દારૂ પી જતો ત્યારે ઘણી વાર બેભાન અવસ્થામાં
બબડાટ કરતો જોવા મળ્યો હતો, પણ આવી હરકત કરતો તો જોવા મળ્યો જ નહતો. અત્યારે અચાનક એના
વર્તનમાં કશૂક વિચિત્ર થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં હતાં. લવજીએ જરા ઊંચા અવાજે
કહ્યું. “ઉઠ લ્યા.”
મનોર ચમકી ગયો. મંદિરનો દરવાજો જાણે ડાકલાં ખખડાવતો હતો. બેય
આંખો ભમાવતો ઘડીમાં લાશ તરફ તો ઘડીમાં દરવાજા તરફ જોઈ રહ્યો. શરીર જાણે ધુણતું હોય
તેમ હલતું હતું. લવજીએ ફરી બૂમ પાડી. મનોરના હોઠ ફફડી ઉઠ્યા. “પેલા આની જાત બતાય...”
“જાતને
તારે શું ચાટવી સે?”
મનોર
ફટ ઊભો થયો, “દિયોર
અત્યારે ગામના સ્મશાનમાં આને બાળીએ ને કોઈ અફવા ફેલાવે કે ગાંડો તો દલિત હતો તો
ગામ આપણું મગજ કેવું ચાટે?” કહીને લવજી સામે ડોળા કાઢી જોઈ રહ્યો. લાશ પરનું કપડું
લવજીની આંખમાં પડ્યું હોય તેવું થયું. મહિના પહેલા આ જ સ્મશાનમાં થયેલી મારા-મારી
વખતે એ કેવો દોડેલો તોય પાછળ પડનારે કાંટાળાં બે ઝરડાં બરડામાં ફટકારેલાં, એના ઉઝરડા પર
ફરી લોહી ફૂટયું હોય એવી બળતરા થઈ. શરીરનાં રુવાટાં તંગ થયાં. કૂસા ડોસાની લાશ
જાણે કહી રહી હતી અહીંથી જાઓ લ્યા...ભાગો.. તમ્મર આવવા જેવુ થયું. એ મનોર પાસે
બેસી રોડું લઈ જમીન ખોતરવા લાગ્યો. દિયોર માં’રાજ ગામમાં અફવા ફેલાવે
તો?.. રોડું મંદીર
તરફ છનછનાવ્યું. આકાશ સામે જોયું. અડધી રાતના તારા માથા પરથી નમી જવા ઉતાવળા થવા
લાગ્યું. લવજીએ ખિસ્સામાંથી બીડી કાઢી. એક માનોરને આપી, બીજી એણે સળગાવી. બે
ચાર ઊંડા કસ ખેંચી ને એ ઊભો થયો. લારી સમશાન બાજુ ઠેલવાને બદલે ગામ બાજું ધકેલી. હેડ
મનોર ગામ નક્કી કરે પછી જ વાત.. ને મનોર પણ ઊભો થઈ લારીને વળગી પડ્યો. બેય ના
મનમાં એક વાત હતી કે પહેલા આની જાત નક્કી કરો પછી જ બાળીએ. બંને નાં મોઢામાં સળગતી
બીડી માંથી ધૂમાડા નીકળતા હતાં. ને પેલી વાસ પોતાનું ગજૂ કાઢવા મથી રહી હતી.
------------------------
Email : chauhansanjay487@gmai