Tuesday 10 May 2016

માળા
સંજય ચૌહાણ,
_________________________________________________________________  
       અર્ધ ખૂલ્લા બારણે રઘવાટ ભર્યો પવન આવી ધક્કો મારી બેઠો. બારણું દીવાલ સાથે અથડાવાનો એવો અવાજ થયો કે જાણે કોઇએ પાસે ફટાકડો ફોડ્યો હોયને ત્યારે કેવું ચમકી જવાય? એમ ઓરડામાં સૂન-મૂન માદેવના નામની માળા ફેરવી રહેલાં મણી ચમકી ગયાં. આ પવન મારો પીટ્યો આજ સવાર-સવારથી રઘવાયો થયો સે..તે શી ખબર કયા મલકની ધૂળ ઉસેટી રહ્યો સે..?
 માળા અટકી પડી. પેલો મલક શબ્દ એમની છાતીમાં વાગ્યો. છાતીના ધબકાર વધી ગયા. ઓરડાની બહાર નજર ખેંચાઇ. બારીમાંથી આવતા મહા વદ અગિયારસના વાયરાએ એમના શરીરમાં ધ્રૂજારી મૂકી. તંગ થયેલું શરીર સહેજ છૂટું પડ્યું.  વર્ષો જૂના પણ પરિચિત શબ્દો જાણે ચારે તરહ પડઘાતા રહ્યા. ને આંખો સામે વરગણી પર લટકતાં કપડાં જેમ કેટલુક લહેરાઇ ઉઠ્યું. કેમ ફટાકડા ફૂટતા નથી? નજર ઓરડા બહાર જઇ ઊભી. આખાય આભલા પર જાણે કોઈ એ પીળો મંડપ બાંધ્યો હોય તેવું લાગ્યું. તડકો ખાસ્સો ચડેલો દેખાયો, -જાન ક્યારે આવશે?
       બહારનો સૂનકાર એમને વાગ્યો. એ કોની રાહ જોઈ ને બેઠાં હતાં? નક્કી કરી ના શક્યાં. તડકો છેક એમના ઓરડાના ઓટલા પર આવી ઊભો રહ્યો હતો. સમયે તો ગૌશાળામાં હોય. તો આજે કેમ વહેલા નવરાં થઇ બેઠાં હતાં? પોતાને થયેલા સવાલોથી કંપી ઊઠ્યાં. મનની ઉથલ-પાથલથી બચવા માળા પકડી હતી. બીજું તો એમનું કહી શકાય એવું કોણ હતું અહીં?. અટકી પડેલી માળા પાછી ફેરવવા લાગ્યાં. પણ હરિ નામ હોઠો પર ના આવ્યું. ચીત ચક્રાવો મારતું ગોદરે ધૂળ ઉડાડતું હતું. ગામ આખાના ઘાંઘાટ વચ્ચે જાણે ભૂલાં પડ્યાં હતાં.
       એટલામાં માલજીનો છોકરો દોડતો આવ્યો. આખાય ગામની ખૂશી લૂંટવાનો જાણે ઇજારો એને મળ્યો હોય! બારણે ઊભો રહી શ્વાસ લેતાં બોલ્યો," લખીમા બેન્ડવાજાં યાં સે.." આવ્યો હતો એવો તરત હાહ ભરતો દોડીને ભાગી ગયો.. દોડવું તો લખીને ક્યાં નહતું? પણ હવે આ ભવમાં તો એમના માટે ના બધાય અવસર ઉકેલી ગયા હતા. વળી આજનો અવસર તો ગામનો. પણ, પોતાના માટે? આંખો પર ભાર આવી લચી પડ્યો. ને વિચારો ગામ વચ્ચે જઈ ઊભા. 
         ગામના સરપંચ વેલાજીની એકની એક દીકરીનાંલગ્ન હતાં. બે દિવસથી ગામ આખામાં તૈયારીઓ ચાલતી હતીગૌશાળાની ડાબી બાજુ માદેવનું મંદિર - મંદિરની ડાબી બાજુ ગામની વાડી- વાડીમાં ગઇ કાલ સાંજથી રસોડાની ટીમે પડાવ નાખ્યો હતો. આજે વહેલી સવારથી બાજુથી સુગંધ ખેંચાઇ  આવતી હતી. આખા ગામને જમવા માટે નોતરું હતું. સૌ ને માટે જાણે પોતાનો અવસર હોતો! જોકે લખીના મનમાં વરસો પહેલા ઉકલી ગયેલા અવસરોનાં સરવૈયાં ગણાતાં હતાં. જાન જે ગામમાંથી ને જે ઘેરથી આવવાની હતી. બાજુ લખીને કોઈ થૂંકવાનું કહે તોય થૂંકે નહી. ગઇ કાલેથી એણે મનોમન ગાંઠ વાળી હતી. કે ગૌશાળા બહાર પગ મૂકવો,- બાજુ લોક મરે કે જીવે મારે શું? તો પણ સવારથી પગ તો બહાર જવા થનગની રહ્યા હતા. એને કેમ કરી રોકવાઆશ્રમનાં બધાં મનેખ કંઇ નવું કૌતુંક જોવાનું હોય એમ કરી રહ્યાં હતાં. હમણાં ધમકારા બંધ જાન આવશે ને એક સાથે ધમાકાઓથી બધું ગાજી ઊઠશે. ગામનું લોક તો ભેગું થઇ હો...હો... ને અવાજ જાણે અત્યારે ઉઠ્યો હોય તેવું લખીને લાગ્યું.
        -અફીણના ગોગળા ગોળીને પીવો લ્યા..હટ પીટ્યા મોટા એટલા ખોટા...જેવું બબડી માળા એક બાજુ મૂકી. કે તરત ભીંસ અનુભવાઇ. ચારે ખૂણા એમની તરફ ધસી આવ્યા. આખી ઓરડી એમના સામે દાંતીયાં કરતી હોય એવું કેમ લાગી રહ્યું હતું? ડરથી આંખો મીંચી દીધી. આજુ-બાજુ સળવળાટ જેવું લાગ્યું. અવાજ આવી આખા ઓરડામાં  ભરાઇ બેઠો. બારીમાંથી આવતું અજવાળુ ચહેરા પર આવી વિસ્તરાયું. બહારના આવાજમાં સંગીત ભળ્યું. બેન્ડવાળાએ નવું ગીત રમતું મૂક્યું. બધાં વાજિંત્રો એક સાથે ધબાધબ કૂટવા લાગ્યાં. લખીના હોઠ સહેજ ફફડ્યા. કેવા ઢોલ ઢબૂક્યા હતા. સૌ કહેતું કે લખી તું તો ઇન્દ્રાપૂરીમાં મહાલવાની.. પણ એમ લોકોનું કહેવું સાચું પડયું હોત તો ભગવાન પર ભરોસો કોણ કરે? આપણે તો એની માયાનાં પૂતળાં એને ગમે એમ ખેલ કરાવે..પીટ્યો ભગવાને ભૂંડો સે.            

                 બહાર નાચી ઉઠેલાં છોકરાંની કીકીયારીઓથી ગાયો ભડકી. આડો દિવસ હોત તો ગાયો પાસે ઊભાં હોત. પણ આજે એમને ઓરડો છોડવાનું મન થતું નહ્તુંમન તો ઓરડામાંય ક્યાં બેઠું હતું? તો સવારનુ અરવલ્લીના ડુંગરોની તળેટીના ઠાકોરોના નાના ગામમાં જઇ ઊભું હતું. ગામ પણ કેવું? મોટી-મોટી ડેલીઓ -પાસે જ ખેતરોને ભેસોની ગમાણો -દુધ-ઘીની તો નદીઓ જાણે. આંગણે ઢોલિયા એના ઉપર પાઘડીઓનાં લહેરાય છોગાં. વચ્ચે કસુંબલ ગોળાય. સૌએ એને વળાવતાં કહેલું. અદ્દ્લ એવું સુખ. દિવસને રાત બધું એક ધારા અવસર પેઠે જાય. પણ દૂધ જ ખાટાં દહી થાય. કઈ એવું જ એના જીવતરમાં બની ગયું.  કુંટુંબનો મથુરજી એના પર નજર બગાડી બેઠો. એક બે વાર ખેતરે જતાં એને ઓંતરી ઊભો. કોઈએ એને કાનમાં કહ્યું હતું કે નજરનો ખોટો સે એનાથી બચવું. લખી એનાથી બચતી રહી. થોડા દિવસોમા બધીય વાતો ભૂલાવી દે એવો એક અવસર ઉમેરાયો. લખીને દહાડા બેઠા. પિયર ગઇ. ત્યાંથી આવી ત્યારે રૂપ-રૂપના અંબાર જેવો દીકરો લઈને આવેલી. એના દીકરાની ખુશીમાં ઠાકોર સવારથી ભાઇ બંધો સાથે અફીણના ગોળતા. એવામાં એકવાર બાજુના ખેતરના કૂવા પર દીકરાનાં બાળોતિયાં ધોવા ગઈ, ને મથુરજી એને ઓંતરી બોરની ઓરડીમાં ખેંચી ગયો. ખોરડાની આબરું ને ઠાકોરના ગૂસ્સાની બીકે એણે બોલ્યા ચાલ્યા વગર છૂટવા ધમ પછાડા કર્યા. એ સમયે વાડે આવેલા ઠાકોરને બોરની ઓરડીમાં થતો અવાજ કાને પડતાં શક પડ્યો. અચાનક કોઇના આવવાનો અવાજ સાંભળીને મથૂરજી હાંફળો-ફાંફળો થઇ ભાગ્યો. ઠાકોરની ઘેનલ આંખો કશુંક કાચુ કાપશે એવો લખીને સ્વપ્નમાં પણ ખ્યાલ નહતો. જેવુ વિચાર્યું નહતું. એવું જ બન્યું. ઠાકોરે લખીને  મારી હોબાળો કર્યો સૌના મોઢે એકજ સવાલ હતો. કે મથૂરે જબર-જસ્તી કરી તો એણે બૂમ કેમ ના પાડી. અફીણના નશામાં ખાન્દાન ઘરની લખીનો ખૂલાસો હૈયા ફાટ રૂદનમાં દબાઇ ગયો. રાતે કૂટુંબના માણસો ભેગા થયા. ઘમાલ મચી પડી,"મૂકી આવો ભઇ આવી બઇ આપણા ઘરમાં ના શોભે."
 -"અરે કટકા કરીને નાખો કૂવામાં"
 -"હાહરી કજાત નીકળી."
       સાંભળીને લખીનું કાળજું કપાઈ જવાનું જ બાકી રહ્યું. આખરે સવારે એના પિયર તગેડી દેવાનું નક્કી થયેલું. લખીના હિબકાંમાં એની જીભ ચાંટી ગયેલી. શબ્દો નીકળ્યા નહીં. છેવટે એણે નક્કી કરી લીધું કે આવા માણસોમાં રહ્યા કરતાં ક્યાંક કૂવો પૂરવો સારો. કટકા કરીને નાખો ઊંડા કૂવામાં શબ્દોએ એને પાગલ કરી નાખી. એને યાદ આવ્યું કે એના બાપાનું ઘર પણ એવું વળ વાળું. તૂટે પણ ચડ્યો વળ છૂટે નહીં. કુટુંબમાં વર્ષો પહેલાં એક ફોઇએ નાની ભૂલ કરેલી. ત્યારે એના કટકા કરી ડુંગરાંમાં દાટી આવેલા. એવાત એણે ઘણી વખત સાંભળી હતીલખીએ છાતી પર મણનો પથરો મૂકી દીધો. હું સાચી છું. મારો હરિ મને ગમે તે જગાએ સુખ આપશે. આવું વિચારતાં હોઠ નાના બાળકના જેમ હિબકે ભરાયેલા. બધુંય ખરું પણ એના નાના બાળકનું શું? આંખોમાં જાણે વેરાન રણ ઊડી આવેલું. રાતે કાળજાના કટકા સમા દીકરાના છેલ્લા દર્શન કરી વાડામાં જવાના બહાને વાડમાં બાકોરું પાડી અંધારા ઓઘામાં દોડી હતીત્યારે ડુંગરોમાંથી ઊતરી આવેલાં જનવરોની એણે પરવા નહતી કરી. એય ખાઇ જશે તો પાર મટ્યો. જેવું વિચારી ભૂખી તરસી બે દિવસ ચાલતી રહી હતી. દૂર દેશાવરના ગામે આવી બે હોશ થઇ ગયેલી. અજાણ્યા મલકમાં લોક ટોળે વળેલાં. અધમૂઇ થઇ ગયેલી લખીને લોક ગામના આશ્રમે પકડી લાવેલાં. બધાએ પાણી પીવડાવી જમાડી ત્યારે ભાનમાં આવી હતી. પૂજારીએ પૂછ્યું ત્યારે એની જીભ પર એક વાતનો લવારો લઇ બેસી હતી. જાતની ઊચી સુ પણ આગળ પાછળ કોઇ નથી. વધારે કોઇ પૂછ્તું ત્યારે એની ભીતર ચાલતી ગડમથલ આંખોમાં ઊભરાઇ આવતી. બધાએ સમજાવતાં પૂજારીજી એને ગૌશાળામાં રાખી લીધી. આમ પણ ગૌશાળા પર બે ચાર કુંટુંબ નભતાં હતાં. દિવસે-દિવસે કામ પણ વધતું હતું. બસ ત્યારથી લખી આશ્રમનો દરવાજો મૂકીને ક્યાંય બહાર ગયાં હોય તે યાદ નથી. કામ સિવાય એમની ઓરડીમાં એક એમના હાથ લાગેલી માળા રહેતી. હરિ નામ લેતાં. પછી તો ગામ એમને શ્રધ્ધાથી જોતું. લોકો સાથેની વાતોમાં વારંવાર રટ્યા કરતાં,- બધી માયા સે એના હાથની... રમડે ને આપણે રમતા રહેવાનું...ઘણાને સમજાય. જેને સમજાય લખીને ગાંડી ગણતાં. પોતાના વિશે આવી પણ વાત થાય છે. એવું એમના કાને આવ્યું ત્યારે હસી પડેલાં,- એય અવસ્થા કઇ ખોટી તો નથી.
        પણ જાન ક્યાં ખોટી થઇ? જેવું વાકય હોઠની ધાર પર આવી અટકી પડ્યું. શરીર શખણું ના રહ્યું. ડોક ઊચી કરી બારી બહાર નજર નાખી. બહારની ધમાલમાં જીવ અટવાયો. શું થયું હશે? મન ઊચું-નીચું થઇ ગયું. પગ ખાટલા પરથી નીચે મૂકાઇ ગયો. ઓરડાના સૂનકારે એમને જકડી રાખ્યાં. સૂની ઓરડીને એક માળા એમનો સથવારો. બાકી તો એમને પૂછનાર કોણ હતું? માળા એક બાજુ મૂકી. હળવે રહી પગ ઉપર ખેંચ્યા. સૂઇ જા બઇ..આટલા વરસે તને શાનું હેત ઉભરાયું? મનમાં આવેલા ઊભરાને ખાળવાનો પ્રયત્ન કર્યોં.
          હેત તો ઉભરા ને વળી? લોહી થોડું બદલાઇ જવાનું સે?... રઘવાટ જેવું થતાં હાથ પાછો માળા પર જઇ અટક્યો. કેમ આજે માળા ઊઠાવવાનું મન થતું નહ્તું? હાથમાં થોડી કમજોરી વર્તાઇ રહી હતી. હાથને હૈયું બધું કમજોર સે. એટલે તો પેટના જણ્યાને  કદી મળવા ના જઇ શકી. એક બે વાર હિમ્મત કરી હતી. પણ પગ પાછા પડ્યા હતા. એમ તો પહોંચી જવામાં એને કોણ રોકે એવું હતું? જોકે પેલી વાત એના માથામાં કાણું પાડી પેસી ગઇ હતી. કાંટો થોડો વાગ્યો હતો તે ખેંચી ને ફેંકી દે? આમ તો બાજુનું કોઇ મનેખ રખડતું કૂટાતું બાજું પગ ના મૂકે, પણ દરબારોના વાદે ઠાકોરો દૂરના ગામે સંબંધ બાંધતા થયા. વળી વાહનોની સગવડ વધી. એક બે દીકરીઓ અરવલ્લીના ડુંગરો બાજુથી બાજુ પરણીને આવી હતી. લખીએ અજાણ્યા રહી ને એક વાતોડી દીકરી પાસે એ બાજુની ધણી વાતો કઢાવી હતી. છેક ચોથી મુલાકાતમાં એણે વાત-વાતમાં ઘટનાને ગૂથી કાઢી હતી," તે હે બાઇ તો એનું કાળુ કરી ને ગઇ પણ એના છોકરાને કદી સંભાળ્યો નહી?
      " શું સંભાળે? જીવતી હશે તો પૂછ પરછ કરી હશે ને જાણ્યું હશે કે એનો છોકરો તો કાનમાંથી કીડા ખરી પડે એવી મણ-મણની ગાળો કાઢે સે.
       " હાય..રે.." લખીથી છાતી પર હાથ મૂકાઇ ગયેલો.
       " બોલો પછી બાઇ આવે ખરી બા? છોકરો કેતો ફરે છે કે કભારજા મારા માથે કાળી ટીલી મૂકતી ગઇ."
       પેલી દીકરી તો થોડી વાતો કરીને પછી ચાલી ગઇ. પણ એના હોઠ પરથી છૂટેલા પેલા શબ્દોને મૂળ ફૂટ્યાં કે શું? હટ્યા નહી. હૈયું ફાટી જાય એવું તો વખતે થયેલું પણ લખી હામ ધરી રાખી હતી. ને આજ ઓરડામાં આવતાં એની છાતીના બધાય બંધ વછૂટી ગયેલા. પોતાનો જણ્યો આવા વેણ કાઢે પછી એને કયા હક દાવે મળવું? પ્રશ્ન કાયમ લખીનું હાડ ગાળતો રહેલો. ગામ તરફ પછી જોવાની તો વાત ક્યાં રહી? પણ આજે એનો જ દીકરો આ ગામમાં પરણવા આવતો હતો. ને મન રસ્તે જઇ બેસી ગયું હતું. લખીને ય સમજાતું નહતું કે એને કેવી રીતે વાળવું? વરસો પહેલાં પાછળ છોડી દીધેલાં ખેતરો -ગમાણો -ડેલી જેવાં ખોરડાં અને સૂરજ દાદા સામે હાથ ધરતા ડુંગરો એની આંખો સામે આવી ઊભા હતા. ને ડુંગરોની કોતરો બાજુથી વાયરા સાથે એક પડધો આવી ને એની છાતી પર વાગતો હતો. કભારજા.. કભારજા..
       લખીએ કાનમાં આંગળીઓ પરોવી દીધી. આંખો મીચાઇ ગઇ. હું કભારજા નથી દીકરા..જેવો પોકાર એના ગળામાં અટવાઇ પડ્યો. આંગળીઓની આર-પાર કશોક અવાજ સંભળાયો. કાનમાં પરોવેલી આંગળીઓ એણે ખેંચી કાઢી. તરત ચહેરા પર હરખના તણખા ઉડ્યા. મન બહાર દોડી ગયું. ફટાકડાની રમઝટ શરું થઇ હતી. છોકરાં હઈ..હો..હા.. જેવી રાડો પાડવા લાગ્યાં હતાં. બેંડવાજાં વળાઓએ ગામ ગજવી મૂક્યું. લખીના પગ ફટ કરતા ખાટલામાંથી નીચે લબડી ગયા.  
            
        નજર સામે પડેલી માળા જાણે એકલી પડી હોય તેવું લાગ્યું. જેણે સહારો આપ્યો એનેજ ભૂલી? માળા હાથમાં લીધી. આંગળીએ વીંટી. ઊભાં થયાં. દોડવા જેવું ચાલવા તો ગયાં પણ દરવાજે અટકી જવાયું. ગૌશાળાની પાછળ ઊડતો ધૂમાડો પવન સાથે આ બાજુ ગોટાઈ આવતો હતો. સાથે ભળતી ફટાકડાની ગંધ પણ આજે મીઠી મધ જેવી લાગતી હતી. ઊંડો શ્વાસ ખેંચ્યો. ને ઉંબરા પરથી પગ બહાર કાઢ્યો. બેંડવાજા ના શબ્દો એમના માથામાં દુખાવો કરવા લાગ્યા. એના ભૂંગળાયાંના પહોળાં જડબામાંથી જાણે કભારજા શબ્દ કૂટાતો હતો. એમના પગ પાછા પડ્યા. તોય જાણે ઓરડામાંથી કોઈ ધક્કો મારતું હોય એમ લાગતાં બહાર ફેંકાયાં.. સાડલો છેક નાક સુધી ખેંચીને દરવાજામાં જોયું. બહારનું વાતાવરણ અને ચારે બાજુની ધમાલ એમને ખેંચી રહી હતી. બધોય રસાલો ગૌશાળા બાજુથી મંદિર તરફ આવી રહ્યો હોય એમ અવાજ આ બાજુ દોડી આવતો હતો. ગૌશાળા અને મંદિર વચ્ચે એક દીવાલ હતી. દરવાજા પાસે જ એક બારી હતી. જે મોટે ભાગે બંધ રહેતી હતી. જોકે આજે છોકારાં એ ખોલી દીધી હતી. એની પાળ પર ચડી બેઠાં હતાં. લખી એ નજર ફેરવી. એક વાર જોઈ લે લખી પછી જીવ્યા મર્યાના જૂવાર! બહારનો આવાજ હાથ ખેંચી ને બોલાવી રહ્યો હતો.  બેન્ડવાજાં દરવાજા પાસ આવી ઊભા હતાં. પણ દરવાજે તતુંબેલું ટોળું લખીને જોવા દે તેમ નહતું. બધાની વચ્ચે માથું મારી ને જોવીની મથામણ આદરી. હાથમાં રહેલી માળા આંગળીઓને વીંટી દીધી. માળાના મંણકા આંગળીઓને કૂચ્યા. બધુય જાણે સ્થિર થઈ ઊભું હોય તેવું લાગી રહ્યું હતું. એમણે વચ્ચે માથું નાખવા જેવુ કર્યું. કોઈકના મોઢામાંથી શબ્દો નીકળ્યા,-તમારે બા શું જોવું સે વળી? માળા ફેરવો. તરત દરવાજા આગળ ફટાકડો ફૂટ્યો. છોકરાએ કિકિયારી કરી મૂકી. વરઘોડા સાથે ગામના લોકોય દરવાજા પાસે આવી ઊભા હતા. લખીને પેલી બાઈને સંભળાવી દેવાનું મન થયું. પણ જીભ ન ઉપડી. એટલામાં મોગજીની છોકરી બોલી, -અલી વરરાજા તો જો કેવા લાગે સે? સાંભળીને લખી એ ભીડમાં માથું પરોવ્યું. એક-બે ની કોણીઓ વાગી. કપાળ ચરચરી  ઉઠ્યું. લખીને રીસ ચડી. ગૌશાળાની દીવાલ તોડી દેવાનું મન થયું. પાછું માથું પરોવવા નો પ્રયત્ન કર્યો કે તરત આગળ આવી ગાયો ચારવતા નાગજીનીના છોકરાએ માથું પરોવયુ. ને એય બોલી પડ્યો,- હઈ હો ચેવા રંગીન ફેટા પેર્યા સે! એના શબ્દો લખીના કાનમાં ગૂસી ગયા. એટલામાં બધાએ ધક્કા મૂકી વધારી દીધી. ને દીવાલ પર ચડી જવાનું મન થયું. એમણે દીવાલ તરફ જોયું. સૂર્યના કિરણો આંખોમાં કાંટાની જેમ વાગ્યા. ને કપાળમાં દૂખાવો ઉપડયો. દુખાવો આખા શરીરમાં ફરી વળ્યો. ચહેરો તંગ થયો. માથામાં એક સાથે કેટલાય લોકોની કોણીઓ વાગી હોય એવું થયું. ભીતર એક આવાજ ઉઠ્યો. – આ દુખાવો તો એ જ !! ને દીવાલ બની ઊભીલા ટોળાં તરફ નજર જીણી કરી. એમનું ધ્યાન ગયું કે બેન્ડવાજાં તો દૂર પહોંચી ગયા હતાં. લાજ તાણેલા સાડલાનો છેડો કચ-કચાવી દાંતો માં દબાવ્યો. માળા વીંટેલી આંગળીઓ જકડી. ટોળાં વચ્ચે જોરથી માથું પરોવ્યું. ભીંસ અનુભવાઈ. પણ થોડી જગ્યા મળી. જોયું. ડોળા અવળ-સવળ થયા. જાન આગળ ચાલી ગઈ હતી. એની નજરે પડ્યા જાનની પાછળ ચાલતા ગામના લોકો. માથું પાછું લીધું. શરીર ભીડમાંથી બહાર ખેંચતાં હાથને જાટકો લાગ્યો. આંગળીઓમાં વીંટાળેલી માળા તૂટી ગઈ. એક ડગલું પાછા પડી જોયું તો માળાના બધાય મણકા એમની આજુ-બાજુ  વીખેરાઈ પડ્યા હતા. હાથમાં રહી ગયો હતો  મેલો-ગેલો દોરો.    
સંજય ચૌહાણ,
ભગવાતી શેરી,
અમતોલ દરવાજા બહાર,
મુ. પો. તા. વડનગર-384 355
જિ. મહેસાણા 
                  E-Mail:-chauhansanjay487@gmail.com